વન સેતુ ચેતના યાત્રાનો વાંસદા ખાતેથી ભવ્ય શુભારંભ, જાણો ખાસ વાતો
Van Setu Chetna Yatra: રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લાના વાંસદાથી ભવ્ય શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વનબંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના- 2.0 હેઠળ 2023-24ના વર્ષમાં રૂપિયા 47000 કરોડની જોગવાઈ કરી છે.
આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં કામગીરી આરંભી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા, અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ અભિયાનરૂપે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફ-સફાઈ કરી હતી. તેમણે ઉનાઈ મંદિર પરિસરમાં રૂપિયા 1.76 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, સહાયના ચેકોનું વિતરણ આ યાત્રા પ્રારંભે કર્યું હતું. તારીખ 18 થી 22 જાન્યુઆરી સુધીની 5 દિવસની આ વન સેતુ ચેતના યાત્રા ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ 13 જિલ્લાના 51 તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, વિકાસકાર્યોની ઝાંખી કરાવશે.
વન સેતુ ચેતના યાત્રામાં ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ દ્વારા વિકાસની મુખ્યધારામાં લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો અને શબરી ધામ આદિવાસી અસ્મિતાના પ્રતિક હોવાનું જણાવી કહ્યું કે, શ્રી રામના પાવન પગલાં જે ભૂમિ પર પડ્યા એ ગુજરાતની ભૂમિ પર આપણને વિકસવા અને વસવા મળ્યું એ આપણું સૌભાગ્ય છે.
મહાભારતના પૌરાણિક કાળમાં ડાંગપ્રદેશનો દંડકારણ્ય નામે ઉલ્લેખ છે એમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી છે. શબરીજીના એંઠા બોર ખાઈને ભગવાન શ્રીરામે આદિજાતિ માતાના સ્નેહ, વાત્સલ્ય અને મમતાની અનુભૂતિ કરી હતી.
વન રક્ષક અને પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ વન સંપદાની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણમાં અગ્ર ભૂમિકા નિભાવી રહ્યો છે, એમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ બાંધવોના પ્રકૃતિ પ્રેમ અને વન્ય જીવો પ્રત્યેની સંવેદનાને બિરદાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, વન સેતુ ચેતના યાત્રા રાજ્યના નાગરિકોમાં વન્ય જીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને પવિત્ર ઉત્સવ દેશભરમાં ઉજવાશે તે સમગ્ર દેશવાસીઓ માટે વિકાસની દિપાવલી સમાન લોકોત્સવ બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ દિવસે જ આદ્યશક્તિ ધામ અંબાજીમાં વન સેતુ ચેતના યાત્રા પૂર્ણ થશે, અને તે પણ વનવાસી વિસ્તારમાં વિકાસની નવી ઉર્જા-ચેતના જગાવશે એમ તેમણે જણાવ્યું હતું.
સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, વિકાસ પુરૂષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનહિતની યોજનાઓનો લાભ લઈ દેશના 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. આદિવાસી અને શ્રી રામને એકબીજાથી ક્યારેય અલગ ન કરી શકાય. કારણ કે, ભગવાન રામે 14 વર્ષ સુધી જંગલના આદિવાસીઓ, પ્રકૃતિ જીવો સાથે રહી કઠિન જીવન વિતાવ્યું હતું. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની વડાપ્રધાન મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, ત્યારે પ્રત્યેક નાગરિકો ઘરઆંગણેથી જ અયોધ્યામાં માનસિક ઉપસ્થિતિ સાથે જોડાય તેવું આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે વન મંત્રી મુળુભાઈ બેરાએ યાત્રાની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા સાથે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી ક્ષેત્રમાં વસતા આદિવાસી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, અભિયાનોથી વાકેફ કરવા અને સાંકળવાનો ક્ષેત્ર; વિશેષત: આદિમ જૂથના લાભાર્થીઓને પાકા મકાનની સુવિધા, પાકી સડકો, આરોગ્ય, વીજળી, શિક્ષણ, ઘર આંગણે જ આતુષ્માન ભારત યોજનાનો લાભ આપવાનો આશય છે. વન વિભાગ દ્વારા આદિજાતિ બાંધવો સહિત આદિમ જૂથો વંચિત, જરૂરિયાતમંદ લાભાર્થીઓમાં ચેતનાનો સંચાર કરી મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ છે.
વન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં સહભાગી વન વ્યવસ્થા મંડળીઓમાં રૂપિયા 16.25 કરોડના 95 લાખ જેટલા વાંસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. એમ જણાવી મુળુભાઇ બેરાએ ઉમેર્યું કે, રાજ્યમાં 200 જેટલા વન ધન વિકાસ કેન્દ્ર અને 21 જેટલા આદિમ જૂથ વિકાસ કેન્દ્રની સ્થાપના થકી આશરે 60 હજાર જેટલા લાભાર્થીઓને જોડવામાં આવ્યા છે.
વન અધિકાર અધિનિયમ હેઠળ 1 લાખથી વધુ લાભાર્થીઓને જંગલની જમીન ફાળવણી કરી સનદો આપી છે. માળખાકીય સુવિધા માટે કુલ 2100 જેટલા કામો પણ આદિજાતિ વિસ્તારોમાં મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઘાસની ઉપલબ્ધતા ધ્યાને રાખતા હાલમાં જ સ્થાનિક સ્તરે લોકોને વિનામૂલ્યે ઘાસ કાપી લઇ જવા મંજૂરી રાજ્ય સરકારે આપી છે.
આ અવસરે આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આદિવાસીઓને વિકાસની મુખ્યધારામાં જોડવા કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે. રાજ્યની આશ્રમશાળાઓમાં 2.16 લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેનો ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે. મેડિકલ કોલેજોમાં હવે તમામ આદિવાસીઓની સીટો ભરાય છે. આદિવાસીઓ વિદ્યાર્થીઓ માટે ફ્રિશીપ કાર્ડ યોજના આશીર્વાદરૂપ નીવડી છે.
વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી બાંધવોના વિકાસ થાય તે માટે પૂર્ણ પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ નાગરિકોના વિકાસને નવો આયામ આપ્યો છે. જેના મીઠા ફળો લાખો આદિવાસી બંધુઓ, યુવાનો, મહિલાઓને મળી રહ્યા છે.
મંત્રીએ ઉમેર્યું કે, તાજેતરમાં દેશની 75 જેટલી આદિમજુથની જાતિઓના કલ્યાણ માટે રૂપિયા 24 હજાર કરોડનું બેજટ ફાળવી પીએમ જનમન યોજના હેઠળ 11 જેટલા યોજનાકીય લાભો મળી રહે તે માટેની ઉમદા પહેલ કરી છે. ગુજરાતની આદિમ જૂથની 5 જાતિના 7 લાખ પરિવારોના 28 લાખ નાગરિકોને લાભાન્વિત કરવાનું બીડું ઝડપ્યું છે.
મુખ્યમંત્રીનું અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ અને વૃક્ષનો છોડ આપી સ્વાગત કરાયું હતું. પ્રારંભે અગ્ર વન સંરક્ષક સંજીવ કુમારે સ્વાગત પ્રવચનમાં વન સેતુ ચેતના યાત્રાની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ડૉ. કે. સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ, દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય અરવિંદ પટેલ, ભરત પટેલ, ગણપતસિંહ વસાવા, સંદીપ દેસાઈ, નરેશ પટેલ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ વડા સુશીલ અગવાલ, દક્ષિણ ગુજરાત વનવિભાગના વરિષ્ઠ અધિકારીઓ સર્વ પુનિત નૈયર, આનંદ કુમાર, ડૉ. કે. શશી કુમાર, એસ. મનિશ્વર રાજા, વાંસદાના સરપંચ ગુલાબ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિજાતિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
