રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા
ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે માટે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત આગળ વધારી રહ્યા છે.

ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહી જતા વધારાના 3 મિલીયન એકર ફિટ પાણીમાંથી 1 મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, 1 મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને 1 મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કર્યો હતો.
ઐતિહાસિક નિર્ણય સંદર્ભે પાણી આપવાના કામો શરૂ થવાથી હવે નર્મદાપૂરના વહી જતા વધારાના 1 મિલીયન એકર ફિટ પાણીનો જથ્થો કચ્છને આગામી વર્ષ 2025 સુધીમાં મળતો થશે. જેની ફલશ્રુતિ રૂપે સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં "સુજલામ સુફલામ યોજના" અન્વયે આ પાણી પહોચાડવાના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-1 ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે, અને કામગીરી પ્રગતિ હેઠળ છે, જ્યારે તબક્કા-2 ના કામો માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરાશે. કચ્છના ખેડૂતો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી-અપેક્ષા સંતોષવાનો મુખ્યમંત્રીએ દ્રષ્ટિવંત અભિગમ દાખવ્યો છે, જેના પરિણામે જળાશયોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. એટલું જ નહીં,પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે અને પાણીના અભાવે પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર પણ અટકશે.
મંત્રીએ ઉમેર્યુ કે, જળ સંપત્તિ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટેનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. કચ્છ જિલ્લામાં પાણીની અછતને ધ્યાને લઇ તે સમયના રાજ્યના મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ જિલ્લામાં પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જૂન- 2006માં નર્મદાના પુરના વહી જતા વધારાના પાણીમાંથી કચ્છ જિલ્લાને 1 મિલીયન એકર ફીટ પાણીની ફાળવણી કરવામાં આવી હતી.
આ 1 મિલીયન એકરફીટ પાણી, કચ્છમાં આવેલા નર્મદાના હયાત કેનાલ નેટવર્કમાંથી અલગ-અલગ સ્થળેથી મેળવીને પાઈપલાઈન / કેનાલ થકી વિવિધ સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચાડવાનું તબક્કાવાર આયોજન કરાયું છે, જેના પરિણામે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે, તેમજ ઘાસચારો, ઢોર-ઢાંખરના પીવા સારૂં વગેરે હેતુસર પાણી વિતરીત થઈ શકશે.
મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, કચ્છ જિલ્લામા આ નર્મદાના નીર પહોચે એ માટે બે તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં તબક્કા-1માં ત્રણ અલગ-અલગ ઉદ્દવહન પાઈપલાઈન લીંકો માટે રૂપિયા 4369 કરોડની વહીવટી મંજૂરી જાન્યુઆરી-2022માં આપવામાં આવી હતી, જે યોજનાના બાંધકામ માટેનો ઈજારો આખરી કરી દેવાયો હતો.
આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે હેઠળ સધર્ન લીંક અને હાઇકન્ટુ 2 સ્ટોરેજ લીંકથી અંજાર, મુંદ્રા, માંડવી અને ભુજ તાલુકાની ૨૫ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના 47 ગામના 38824 હેક્ટર વિસ્તારને લાભ મળશે. નોર્ધન લીંકથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાની ૧૨ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે, જેનાથી આ તાલુકાના ૨૨ ગામના ૩૬,૩૯૨ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જ્યારે સારણ લીંકથી રાપર તાલુકામાં સારણ જળાશયમાં પાણી ભરવાથી રાપર તાલુકાના ૮ ગામના 29000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ કામગીરી વર્ષ 2025માં પૂર્ણ થતાં કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા અને રાપર મળી કુલ છ તાલુકામાં 38 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી 77 ગામના 104216 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, બીજા તબક્કા હેઠળની રૂપિયા 2304.92 કરોડની કિંમતે બે ઉદ્દવહન પાઈપલાઈનોની કામગીરીને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સધર્ન લીંકથી માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાની 28 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવાથી આ તાલુકાના 28 ગામના 36514 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
આ ઉપરાંત નોર્ધન લીંકથી નખત્રાણા અને લખપત તાલુકાની 13 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવાથી આ તાલુકાના 25 ગામના 31681 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આમ તબક્કા-2ની કામગીરી પણ આગામી વર્ષ 2025માં પૂર્ણ કરીને માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા મળી કુલ ચાર તાલુકાની 41 સિંચાઈ યોજનાઓમાં પાણી ભરવાથી 53 ગામોના 68195 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળશે. તબક્કા-2ની કામગીરી માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે તેમ, મંત્રી પટેલે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ વિસ્તારની સાથે ભૌગોલિક અને આબોહવાની વિષમતા ધરાવે છે. જિલ્લાના કુલ 45650 ચોકિમીના ભૌગોલિક વિસ્તારમાં માત્ર 8028 ચોકિમી વિસ્તાર એટલે કે, 802832 હેક્ટર ખેતી લાયક છે જ્યારે 3855 ચોકિમી રણ, 3067 ચોકિમી જંગલ અને બાકીનો વિસ્તાર ગૌચર/પડતર/ઉજ્જડ વગેરે પ્રકારનો છે. આ જિલ્લામાં સરેરાશ 347 મીમી જેટલો વરસાદ પડે છે, જે રાજ્યના સરેરાશ વરસાદ કરતાં લગભગ અડધો છે, આ ઉપરાંત અલગ-અલગ તાલુકાઓમાં આ વરસાદ પણ ઓછા-વત્તા પ્રમાણમાં અનિયમિત રીતે પડે છે. જોકે છેલ્લા બે ત્રણ વર્ષમાં કચ્છમાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં 20 જેટલી મધ્યમ સિંચાઈ યોજના 170 જેટલી નાની સિંચાઈ યોજના અને 55 જેટલા બંધારાઓ થકી 252000 હેક્ટર જેટલો વિસ્તાર તથા નર્મદાની કેનાલ દ્વારા 112800 હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈ માટે આવરી લેવાયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
